મન નથી
સાદ પાડું, તોય ‘હા બેટા!’ કહેતું મન નથી,
ઘર હજી છે, ઓરડા છે, પણ હવે જીવન નથી.
ટ્રંકમાં માની હજી છે બંગડીઓ ચાર, પણ
ખણખણાટી જે કરે, એ હાથનું કંગન નથી.
હું ઘણો આઝાદ છું, ના કોઈ ટોકે, ના કહે,
‘ક્યાં ગયો’તો?’ પૂછનારું કોઈ પણ બંધન નથી.
ઊંઘતો’તો હું સદા જે હૂંફના ધબકાર પર,
આજ ઓશીકા ઉપર એ ધબકતું સ્પંદન નથી.
આ ‘પરાગે’ બાગ ફેંદ્યા, ફૂલ સૂંઘ્યાં લાખ, પણ
સાડલાની મ્હેક જેવું ક્યાંય પણ ચંદન નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #માતૃવિયોગ #સ્મૃતિ #ખાલીઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #Mother #MissingMother #Grief #MothersFragrance #ParagRatanpara