મજૂરણનું હાલરડું
ઝોળીમાં ઝૂલે મારો લાલ, પાલખ ઉપર હું,
ઈંટ ઉપાડું, ગીત ગાઉં, તું ઊંઘી જા ને, તું.
ઝાડની ડાળે ઝોળી બાંધી, સાડલાનો છેડો,
વાયરો આવી ઝુલાવે, ધૂળ ઓઢે તારો ચહેરો;
શેઠનાં ઘર ઊંચાં થાતાં, તારું ક્યાં? — એ શું?
ઝોળીમાં ઝૂલે મારો લાલ…
બપોરે ભાથું ખોલું ત્યારે, ખોળે તને લઉં,
મારી ભૂખ હું ભૂલી જાઉં, તને ધવડાવું ધીરું;
તારી નાની મુઠ્ઠીમાં સચવાયું મારું સઘળું…
ઝોળીમાં ઝૂલે મારો લાલ…
પરાગ કહે: આ હાલરડું ના ચોપડીમાં છપાય,
ઈંટે ઈંટે ચણાયું, ને ભીંતે ભીંતે ગવાય;
મ્હેલ ઊભા સૌ, પણ ઝોળીનું નામ ન પૂછે કોઈ, શું?
ઝોળીમાં ઝૂલે મારો લાલ…
– પરાગ રતનપરા