મહારાજ
ત્યજી મોહ-માયા, બતાવે મહારાજ,
ખજાનો ભગતનો ઉડાવે મહારાજ.
સવારે કહે, ‘ના ધરો મોહ ધનનો’,
નિશાએ જ ખાતાં ગણાવે મહારાજ.
કહે: ‘સાદગી એ જ સાચો ધરમ છે’,
વિમાને ચડી મ્હોં છુપાવે મહારાજ.
કથામાં બધા ભક્ત ઊંઘી ગયા, ત્યાં
કહી ‘દાન-પેટી!’ જગાવે મહારાજ.
પરાગે જરા પ્રશ્ન પૂછ્યો નિખાલસ,
તરત કેસ કોર્ટે ચલાવે મહારાજ.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ધર્મનોધંધો #ઢોંગ #ભક્તિ #પરાગરતનપરા
#GujaratiGhazal #GodmanSatire #Hypocrisy #BlindFaith #Humour #ParagRatanpara