મધરાતે ગોકુળ
મધરાતે જાગ્યું ગોકુળ ગામ, પ્રગટ્યા નંદકુમાર,
ઢોલ-નગારાં ગાજ્યાં, ને વરસ્યો મેહ અપાર.
કારાગારનાં તાળાં તૂટ્યાં, સૂઈ ગયા પહેરેગીર,
ટોપલીમાં લઈ વસુદેવ ચાલ્યા, ઊછળે જમનાનીર;
ચરણ અડાડ્યો કાનજીએ ત્યાં જમના થઈ ગઈ પાર…
મધરાતે જાગ્યું ગોકુળ ગામ…
જશોદાને ઘેર જાગ્યો હરખ, ગોપી નાચે ગાય,
માખણ-મિસરી વહેંચે સૌને, હૈયું ન રે માય;
પારણિયે ઝૂલે છે લાલો, ઝૂલે જગ-આધાર…
મધરાતે જાગ્યું ગોકુળ ગામ…
પરાગ કહે: આ કારાગાર તો આપણું ભીતર જાણ,
લોભ-મોહના પહેરા સૂએ, ત્યારે પ્રગટે ભાણ;
ભીતરની જમના પાર કરો તો મળશે નંદકુમાર…
મધરાતે જાગ્યું ગોકુળ ગામ…
– પરાગ રતનપરા