માથાબોળ
પહેલે વરસાદે નાહી હું તો માથાબોળ,
ભીંજ્યાં અંગ, ભીંજ્યાં મનડાં, ઊઠ્યા હરખના છોળ.
બા કહે: ‘ગાંડી, શરદી થાશે!’, બાપુ હસતા જુએ,
નાનો વીરો કાગળ-હોડી ખાબોચિયામાં મૂકે;
હું તો વીજળી સંગે નાચું, ગાજે આભનો ઢોલ…
પહેલે વરસાદે નાહી…
ઓઢણી ચોંટી, ચોટલો ટપકે, ઝાંઝર થઈ ગ્યાં ભારે,
માટીની મ્હેકે મ્હેક્યું આખું આંગણ ને ઓસારે;
મોરલા સંગે ટહુકો કરતી, બોલું મીઠા બોલ…
પહેલે વરસાદે નાહી…
પરાગ કહે: આ પહેલું ભીંજણ, વરસ આખાનું ગીત,
માથાબોળ જે નહાય, એને મળે ધરાની પ્રીત;
છત્રી મેલી ભીંજો, ભેરુ, ખોલી મનના ખોલ…
પહેલે વરસાદે નાહી…
– પરાગ રતનપરા