← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારે ઊડવું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારે ઊડવું છે આભે, બાપુ, ઊડવું છે આભે,
પાંખ નથી તો શું થયું? સપનાં છે મારે ખભે.

ગામના લોકો મેણાં મારે: ‘દીકરી, રસોડું સંભાળ’,
હું કહું: ‘રસોડું ય સંભાળું, ને આભે ભરું ફાળ’;
ચકલી જેવી નાની તોયે, ગરુડ ધબકે છાતીએ…
મારે ઊડવું છે આભે…

બાપુએ ગીરવે મૂક્યું ખેતર, ભરી દીધી મારી ફી,
માએ કાનની બુટ્ટી વેચી, બોલી: ‘મારી લાડકી’;
એ બે જોડી આંખો લઈને ઊડીશ ઊંચે નભે…
મારે ઊડવું છે આભે…

પરાગ કહે: પાંખ નહીં, હિંમત ઉડાડે ઊંચે,
દીકરી ઊડે ત્યારે આખું ગામ ગગનને પૂછે;
‘આ કોની દીકરી?’ — ત્યાં બાપુ હરખે રડે ઊભે…
મારે ઊડવું છે આભે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખહાઈવેઆગલો લેખ →રાતભર