માનો વૉઇસ-મેસેજ
દીકરા, તારી માનો સંદેશો ફોનમાં સાચવી રાખજે રે,
અક્ષર તો મને આવડે નહીં, પણ અવાજ તું ઓળખજે રે.
ટાણે ખાજે, વહેલો સૂજે, ઠંડીમાં ના રખડજે,
વિદેશમાં તો કોઈ ન પૂછે, તું જ તને સાચવજે રે…
દીકરા, તારી…
બાપુની ઉધરસ થોડી, બાકી ઘરમાં સૌ મજામાં,
તારો ઓરડો રોજ વાળું, જાણે તું છો ઘરમાં;
ખોટું બોલું છું થોડું, બેટા, તું ચિંતા ના કરજે રે…
દીકરા, તારી…
પરાગ કહે: આ સંદેશાની છેલ્લી બે-ત્રણ પળમાં,
મા કશું ન બોલી, પણ ડૂસકું દાબ્યું એણે ગળામાં;
એ ચુપકીદી સાંભળી લેજે, પછી ઘર પાછો ફરજે રે…
દીકરા, તારી…
– પરાગ રતનપરા