માનો સાડલો
માનો સાડલો રે, માનો સાડલો,
ઘટાદાર લીમડા જેવો છાંયો આપતો ભલો.
છેડે બાંધી રાખે સિક્કો, મેળો જોવા જઈએ,
પરસેવો લૂછે એ છેડો, તાવમાં ઓઢી લઈએ;
વરસાદે ઝટ માથે ઢાંકે, થઈને આભ ભલો…
માનો સાડલો રે…
ઝાંખો થયો રંગ, ને કોરે થીગડાં પણ દેખાય,
તોય એવી હૂંફ કોઈ રેશમમાં ના જડાય;
કબાટને ખૂણે ગડી વાળીને બેઠો એકલો…
માનો સાડલો રે…
પરાગ કહે: મા ગઈ, પણ સાડલો ગઈ મૂકી,
ઓઢું તો લાગે, મા પાછી ઊભી છે ઝૂકી;
દીકરીને ઓઢાડું ત્યારે ફરી ઊઘડ્યો ભલો…
માનો સાડલો રે…
– પરાગ રતનપરા