મામાનું ઘર
મામાને ઘેર જાવું, ઉનાળાની રજામાં,
ગાડીમાં બેસી જાવું, સપનાંની મજામાં.
મામી મૂકે ભાણે કેરીનો રસ ને રોટલી,
નાની કહે: ‘ખા, ખા!’ ને ભરે વ્હાલની પોટલી;
આંબલિયાની ડાળે હીંચકો, હવામાં ને હવામાં…
મામાને ઘેર…
ભાઈબંધો ને ભાંડરડાં સૌ ખેતરે દોડી જાતાં,
કૂવે ન્હાતાં, ભેંસે ચડતાં, બપોરે ગપ્પાં મારતાં;
સાંજ પડે તો તારા ગણતાં ખાટલાની કતારમાં…
મામાને ઘેર…
પરાગ કહે: હવે વેકેશન ‘સમર કૅમ્પ’માં ખોવાયું,
મામાનું ઘર વીડિયો કૉલે નાની સ્ક્રીનમાં સમાયું;
કોઈ મને પાછો મેલો એ ધૂળિયા રસ્તામાં…
મામાને ઘેર…
– પરાગ રતનપરા