માળો
પંખીડાં રે, માળો મૂકીને ક્યાં જાશો?
કાલે આવે છે કરવત, વડલાનો વારો થાશે.
સો વરસથી ઊભો’તો આ વડલો ગામને પાદર,
વટેમારગુને છાંયો દીધો, ગાયોને દીધો આદર;
હવે સડક પહોળી થાશે, ને ગાડીઓ સડસડ જાશે…
પંખીડાં રે…
ઝૂલા બાંધી ઝૂલી’તી જ્યાં ગામની દીકરીઓ સઘળી,
વડની વડવાઈએ લટકી, હસી’તી ટોળી ઘેલી;
હવે ત્યાં ડામરનો રસ્તો, ને ટ્રક હૉર્ન વગાડશે…
પંખીડાં રે…
પરાગ કહે: વિકાસ ભલે આવે, પણ યાદ રાખજો, ભાઈ,
એક વડલો કાપો ત્યાં તો સો માળાની વિદાઈ;
વાવજો બે ઝાડ નવાં, તો જ પંખી પાછાં આવશે…
પંખીડાં રે…
– પરાગ રતનપરા