માખણની વાટકી
મુગટ મળ્યો ને મહેલ મળ્યા, પણ ખાલી ખાલી ઓરડા,
કાનુડાને ઊંઘ ન આવે, સાંભરે માના ખોરડા.
રેશમના ઢોલિયે પડખાં ફેરવે, કોઈ ન પાડે સાદ,
‘લાલા, ઊઠ’ કહી ઝંઝેડે એવી ક્યાં છે માની યાદ?
રાજભોગના થાળ ભરેલા, ભાવે ના એક કોળિયો રે…
મુગટ મળ્યો ને મહેલ મળ્યા…
ખાંડણિયે જે દોરડે બાંધ્યો, એ બંધન સૌથી મીઠું,
મથુરામાં સૌ બંધન છૂટ્યાં, તોય કશુંક અદીઠું;
મટકી ફોડી જે હાથે, એ હાથે ફૂટે ઝૂરતો હૈયો રે…
મુગટ મળ્યો ને મહેલ મળ્યા…
પરાગ કહે: આખું જગ જેને પાય પડીને પૂજે,
એ જ જગતનો નાથ મધરાતે માની ઓઢણી ઝંખી ધ્રૂજે;
મા વિનાનો ઈશ્વર પણ લાગે સાવ અનાથ છોકરો રે…
મુગટ મળ્યો ને મહેલ મળ્યા…
– પરાગ રતનપરા