માખણચોર
જશોદા, તારા કાનુડાને વાર, એ તો રોજ ફોડે મટુકી,
ગોપી સૌ આવી ફરિયાદે, ઊભી ઓસરીએ ઝૂકી.
શીકું ઊંચું બાંધ્યું તો યે, ગોઠણે ચડીને લીધું,
ભાઈબંધોને વહેંચ્યું માખણ, વાંદરાંને પણ દીધું;
પૂછું તો કહે: ‘મા, હું નહીં, બિલ્લી આવી’તી છૂપી!’…
જશોદા, તારા કાનુડાને વાર…
જશોદા બોલ્યાં: ‘લાલો મારો ઘરમાં સૂતો’તો સવારે’,
ગોપી હસીને બોલી: ‘તો કોણ મ્હોં ખરડેલ ઊભો દ્વારે?’
મોંએ માખણ, આંખે કાજળ, મા યે હસી, રીસ ભૂલી ચૂકી…
જશોદા, તારા કાનુડાને વાર…
પરાગ કહે: આ ચોરે ચોર્યું માખણ નહીં, પણ મન,
જેનું ચોર્યું એ જ હરખે, એવો ચોર તો રતન;
ગોપી કહે: ‘લે, આજે ય ફોડજે’, ને મટકી ધરી ઝૂકી…
જશોદા, તારા કાનુડાને વાર, એ તો રોજ ફોડે મટુકી.
– પરાગ રતનપરા