માઈલનો પથ્થર
રાહ પર ઊભા હતા, સૌને જ અંતર ચીંધતા,
ક્યાંય ગ્યા ના, ને બધાને રોજ પાદર ચીંધતા.
પૂછતા સૌ ‘ક્યાં જવું?’ ને આપણે બોલ્યા વિના
એક ઊભી આંગળીથી રોજ ઉત્તર ચીંધતા.
પોટલી લઈને ગયા જે, દૂર એ પરદેશમાં,
આપણે બસ ત્યાં જ ઊભા, સાત સાગર ચીંધતા.
દેવ ભીતર છે, અમે એ વાત ક્યાં જાણી હતી?
ને બધાને દ્વાર ઊભા રોજ મંદિર ચીંધતા.
એક દી તૂટી જશું, ને ધૂળ થઈ જાશું ‘પરાગ’,
રાહ પોતે થઈ જશું, ના કોઈ પથ્થર ચીંધતા.
– પરાગ રતનપરા
#ગઝલ #રસ્તો #સરનામું #સ્થિરતા #ભીતરનોદેવ #પરાગરતનપરા
#GujaratiGhazal #Milestone #TheRoad #Stillness #InnerGod #ParagRatanpara