માધવ ક્યાં?
વાંસલડી વિનાનું સૂનું વન રે, મારો માધવ ક્યાં?
કદંબની ડાળે ઝૂલે એકલો પવન રે, મારો માધવ ક્યાં?
ગાયો ભાંભરે ગોંદરે ઊભી, વાછરડાં ના ધાવે,
માખણની મટકી અકબંધ રહી, કોઈ ચોરવા ના આવે;
જમનાજી પણ ધીમાં વહેતાં, ભીનાં થયાં નયન રે…
મારો માધવ ક્યાં?
મથુરાથી ઓધવજી આવ્યા, લાવ્યા જ્ઞાનનો ભાર,
અમે ગામડિયણ ગોપી, અમને એક જ નામ આધાર;
પોથી વાંચે ઓધવ, ને અમે વાંચીએ શ્યામનું મન રે…
મારો માધવ ક્યાં?
પરાગ કહે: આ માધવ ક્યાંય ગયો નથી, રે બેની,
વિરહે બળતી ગોપીના એ શ્વાસે શ્વાસે વહેની;
બ્હાર શોધે છે ગોપી, ભીતર બેઠું આખું વૃંદાવન રે…
મારો માધવ ક્યાં?
– પરાગ રતનપરા