લીમડો બોલ્યો
લીમડો બોલ્યો: ‘કાપો તો ભલે કાપો રે, ભાઈ,
પણ મારી છાંયે ઊછર્યા એ દિ’ સંભારો રે, ભાઈ.’
તારા દાદાએ રોપ્યો’તો મને, ઝાંપાની જમણી કોરે,
તારી બાએ ઝૂલો બાંધ્યો’તો મારી ડાળને દોરે;
તાવ ચડ્યો’તો તને, ત્યારે પાન ઉકાળ્યાં મારાં,
કડવા હતા, પણ તારે માટે થયા’તા અમૃતધારા…
લીમડો બોલ્યો…
હવે ગાડી રાખવી છે ને જગ્યા નથી આંગણમાં,
મારાં મૂળ નડે છે તમને, ઘરના નવા ચણતરમાં;
ભલે, હું તો વૃક્ષ છું, મારે ક્યાં કોઈ ફરિયાદ?
પણ ચકલીનો માળો છે ત્યાં, એનો તો કરજો યાદ…
લીમડો બોલ્યો…
પરાગ કહે: કરવત ચાલી, ને ઝાડ પડ્યું ધબ દઈને,
આખું ફળિયું તડકે શેકાયું, ચકલી ઊડી રડીને;
ગાડી તો ઊભી છે છાંયે, પણ છાંયો ક્યાં છે, ભાઈ?
ઘરને માથે સૂરજ તપે, ને ઘરમાં સૂની કડવાઈ…
લીમડો બોલ્યો…
– પરાગ રતનપરા