લીમડાને વળાવ્યો
લીમડાને આજે વળાવ્યો રે, ગામ આખું રોયું,
રસ્તો પહોળો કરવા સારુ છાંયડું ખોયું.
દાદાએ વાવેલો લીમડો, બાપુએ ઉછેર્યો,
મેં એની ડાળે ઝૂલો બાંધી આભને ઘેર્યો;
કરવત ફરી, ને ચકલીએ એનું આખું ઘર ખોયું…
લીમડાને આજે…
ચકલી, કાબર, પોપટ, ખિસકોલી — કેટલાંનું ઘર,
એક જ ઝાડ ગયું ને ઊજડ્યું આખેઆખું નગર;
લીલાં પાનનાં આંસુ વડે મેં ઉંબરિયું ધોયું…
લીમડાને આજે…
પરાગ કહે: રસ્તો તો બન્યો, ગાડીઓ દોડે ઝટપટ,
પણ બપોરે કોઈ ન રોકાય, ન રહી છાંયાની રમઝટ;
મેં એક છોડ વાવીને એમાં લીમડાનું મુખ જોયું…
લીમડાને આજે…
– પરાગ રતનપરા