લાગતું
જે હતું આખું જગત, એ ઘર જ નાનું લાગતું,
ને પિતાનું મૌન આજે સાવ છાનું લાગતું.
ડાયરીમાં સાચવેલું ફૂલ સૂકું ત્યાં હતું,
જિંદગીનું એ જ તો બસ એક પાનું લાગતું.
ઢીંગલીને દીકરી ગાતી, સુવાડે રાતના,
સૂર એનો પણ મને મારી જ માનું લાગતું.
બાળપણમાં મેળવેલી પાવલી મેં સાચવી,
લાખ છે આજે, છતાં એ તો ખજાનું લાગતું.
આ પરાગે શબ્દ જોડ્યા, પણ ખરું પૂછો તમે,
આંસુ માટે આ ગઝલ તો સૌ બહાનું લાગતું.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉંમર #બાળપણ #પિતા #દીકરી #પરાગરતનપરા
#GujaratiGhazal #GrowingUp #Childhood #Father #Daughter #ParagRatanpara