ક્યારે થશે?
રાત લાંબી, તેલ ખૂટ્યું, રોશની ક્યારે થશે?
ઝૂંપડીના આંગણે પણ ચાંદની ક્યારે થશે?
આભ જોતો રોજ પૂછે ખેડુ ભોળો ઈશને,
ખેતરો સૂકાં તરસતાં, વાવણી ક્યારે થશે?
રેસના ઘોડા સમા સૌ દોડતા, ને હાંફતા,
દિલ મશીનોનાં થયાં, તો લાગણી ક્યારે થશે?
રોજ ‘કાલે’, રોજ ‘કાલે’, કાલથી જીવીશ હું,
આજ વીતી, ઓ ખુદા! આ જિંદગી ક્યારે થશે?
આ પરાગે શબ્દ જોડ્યા, ને ગઝલ પણ થઈ ખરી,
પણ હૃદયમાં ગુંજતી એ રાગિણી ક્યારે થશે?
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #આશા #ખેડૂત #સંવેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #WaitingForDawn #Hope #Farmers #LostFeelings #ParagRatanpara