ક્યાં રડું?
રોશનીથી ઝળહળે છે, આ બજારે ક્યાં રડું?
નાવડી હાસ્યો ભરી, હું આ કિનારે ક્યાં રડું?
દર્દ લઈ ઊભો હતો હું દેવની લાંબી કતાર,
ઘંટ ગાજે, શંખ ગાજે, ભવ્ય દ્વારે ક્યાં રડું?
દીકરો પરદેશ, સાથી સ્વર્ગમાં જઈ છે વસી,
ઓરડે ભીંતો જ ભીંતો, કો' સહારે ક્યાં રડું?
ચાદરો ચઢતી રહે છે, ફૂલ વેચાતાં રહે,
વેપલો ચાલે જહીં એવી મઝારે ક્યાં રડું?
આ પરાગે ઝાકળે થઈ રોઈ લીધું રાતભર,
સૌ હસે છે ફૂલ જોતાં, આ બહારે ક્યાં રડું?
– પરાગ રતનપરા
#ગઝલ #એકાંત #આંસુ #શહેર #વેદના #પરાગરતનપરા
#GujaratiGhazal #Loneliness #Tears #CityOfCrowds #SilentPain #ParagRatanpara