← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોરો હતો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફાગણે ભીંજાઈ ગ્યું સૌ, રંગમાં કોરો હતો,
ભીડમાં ઊભો છતાં હું, સંગમાં કોરો હતો.

મેઘ ગાજ્યો, ને ધરા ભીની બની આખી, છતાં
તું ન’તી, ને હું સમૂળા અંગમાં કોરો હતો.

રક્તથી રાતી ધરા, ને રથ, ધજા, તીરો બધાં,
કૃષ્ણ બસ ત્યાં, એ જ આખા જંગમાં કોરો હતો.

ચોકમાં હોળી રમી, સૌ ઝૂમતા’તા ભાંગમાં,
હું જ ત્યાં ડાહ્યો બની, એ ઢંગમાં કોરો હતો!

ફૂલ પર બેસી ભમર રસ પી ગયો, પણ ઓ ‘પરાગ’,
તું ભ્રમરના ગુંજતા એ વ્યંગમાં કોરો હતો.

– પરાગ રતનપરા

#ગઝલ #અનાસક્તિ #કૃષ્ણ #હોળી #એકલતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Detachment #Krishna #Holi #UntouchedSoul #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખનોટિફિકેશનઆગલો લેખ →નથી દોડવું