કોણે પૂછ્યું, સખી?
કોણે પૂછ્યું, સખી, મને કે શું છે મારે મન?
પિયરમાં ના પૂછ્યું બાપે, સાસરે ના સાજન.
ભણવું’તું મારે દૂર લગી, ત્યાં ચડાવ્યો ચૂડો,
સપનાંની પોથી બાંધીને ઝાલ્યો ઘરનો ઝૂડો;
ચોપડી રહી ગઈ માળિયે, ને ચૂલે સળગ્યું જીવન…
કોણે પૂછ્યું, સખી…
થાળી સૌને પીરસું પહેલી, છેલ્લે બચે તે ખાઉં,
‘તને શું ભાવે?’ પૂછે કોઈ, તો હું પોતે ભૂલી જાઉં;
સૌના સ્વાદમાં ઓગળી ગયું મારું ભાવતું મન…
કોણે પૂછ્યું, સખી…
પરાગ કહે: હવે દીકરી ઊભી, પૂછે સૌની સામે,
‘મારે ઊડવું છે આભે’, કહે, ને ચાલે પોતાને નામે;
માને વળગી કહે: ‘મા, હવે તું ય બોલ તારું મન…’
કોણે પૂછ્યું, સખી…
– પરાગ રતનપરા