કોઈ સંગે ચાલે
કોઈ મારી સંગે ચાલે, દેખાય નહીં,
વાટ ભૂલું ત્યાં હાથ ઝાલે, બોલાય નહીં.
અંધારી રાતે રણમાં હું ભૂલો પડ્યો’તો જ્યારે,
ઝીણો એક દીવો દેખાયો, તારા જેવો ત્યારે;
કોણે મૂક્યો, ક્યાંથી આવ્યો, પૂછાય નહીં…
કોઈ મારી…
દર્દમાં જ્યારે રડ્યો, કોઈ ન આવ્યું પાસે,
તોય ખભે હાથ ફર્યો, ધીમે ધીમે શ્વાસે;
એ સ્પર્શની ભીની હૂંફ કદી ભુલાય નહીં…
કોઈ મારી…
પરાગ કહે: ફૂલને ઊડાડે છે જે વાયુ,
એ જ મારો સંગી, એ જ મારું આયુ;
શ્વાસે શ્વાસે ગાય છે, પણ સંભળાય નહીં…
કોઈ મારી…
– પરાગ રતનપરા