કિનારા
દૂરથી જળ ઝગમગે ને આ કિનારા છેતરે,
આંખ જેને ઝંખતી, એવા નજારા છેતરે.
હાથ લંબાવું, અને દૂરી વધે છે એટલી,
ને પછી આકાશના ઝળહળ સિતારા છેતરે.
કેટલાં તોફાન સામે મેં હલેસાં વીંઝિયાં,
આખરે તો કાંઠડે બેઠા સહારા છેતરે.
એમના હોઠે કદી ‘ના’ પણ મને ‘હા’ લાગતી,
પ્રેમમાં તો શબ્દ શું? આ બે ઇશારા છેતરે.
તોય પાછો નાવ લઈને નીકળે છે આ પરાગ,
જાણતો કે આ સમંદરની ય ધારા છેતરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ભ્રમ #કિનારો #આશા #જિજીવિષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Illusion #Shores #Hope #Resilience #ParagRatanpara