ખોટો પડે
રોજ ગણતો હું રહું, પણ આંકડો ખોટો પડે,
વ્યાજ ભરતાં વર્ષ વીત્યાં, ચોપડો ખોટો પડે.
ભાઈઓએ ઘર વહેંચ્યું ચાર સરખા ભાગમાં,
એક માને ભાગ આવે, ઓરડો ખોટો પડે.
બીજ વાવ્યાં, ને પસીનો પણ વહાવ્યો રાતદિન,
ભાવ ખૂલે જ્યાં બજારે, પાવડો ખોટો પડે.
ડાળથી ડાળે છલાંગો મારતા નેતા બધા,
એમની સામે બિચારો માંકડો ખોટો પડે.
આ પરાગે રાતભર ગાયાં પરોઢી ગીત, ને
બાંગ દેતો એ સવારે કૂકડો ખોટો પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #જીવનનુંગણિત #મા #ખેડૂત #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #ArithmeticOfLife #Mother #Farmer #Satire #ParagRatanpara