ખૂટે છે
હજી સ્વેટર અધૂરું છે, હજી બે હાથ ખૂટે છે,
સળી પર ગાંઠ અટકી છે, અધૂરો સાથ ખૂટે છે.
પિતાએ ચાર ભીંતો બસ ચણી, છતનું ન થ્યું પૂરું,
હવે આકાશ છત અમને, ગગનની બાથ ખૂટે છે.
હજી ગોકુળ ગલીઓમાં અધૂરો રાસ ચાલે છે,
અને રાધા કહે, ‘મારો હજી એ નાથ ખૂટે છે’.
હજી શબરી ઉભી છે બોર ચાખીને, અને રસ્તે
નજર નાખી કહે છે: ‘હા, હજી રઘુનાથ ખૂટે છે’.
પરાગે આ ગઝલ પૂરી કરી, ને અંત પણ આવ્યો,
છતાં લાગે, હજી કો'ના જનમ સંગાથ ખૂટે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #અધૂરપ #પ્રતીક્ષા #મા #રાધા #પરાગરતનપરા
#GujaratiGhazal #Incompleteness #Waiting #UnfinishedLove #Longing #ParagRatanpara