ખૂણામાં
હતા જે મોભ ઘરના, એમની છે ખાટ ખૂણામાં,
હવે તો એ જ ઝાંખો દીવડો, એ વાટ ખૂણામાં.
હતા ગંગા સમા, સૌની તરસ પળમાં બુઝાવે જે,
હવે ત્યાં સાવ સૂનો એ જ જૂનો ઘાટ ખૂણામાં.
હતા જે ન્યાય તોળી ગામના ઝઘડા ઉકેલી દે,
હવે તૂટી ગયેલો, ધૂળ ખાતો પાટ ખૂણામાં.
હતી જે પાઘ ઊંચી, ને ગજાવે ગામ ખોંખારે,
હવે એ પોટલે બાંધ્યો, બધો એ ઠાઠ ખૂણામાં.
પરાગે ડાળ પર જોયાં નવાં ફૂલો હસે, ત્યારે
ખરેલાં ફૂલ લઈ બેઠું, ઉદાસું હાટ ખૂણામાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વડીલ #ઘડપણ #પરિવાર #ઉપેક્ષા #પરાગરતનપરા
#GujaratiGhazal #Elders #OldAge #Family #Neglect #ParagRatanpara