ખોબો ભરી
ખાલી હતા હાથો, મળી માની દુઆ ખોબો ભરી,
તડકો હતો, તો ઝાડ પાસે મેં હવા ખોબો ભરી.
માગ્યું નથી ક્યારેય મેં, ના હાથ લંબાવ્યો કદી,
ઘા જેમણે દીધા, પછી આપી દવા ખોબો ભરી.
લૂંટી ગયા જે દેશને, એ તો વિદેશે જઈ વસે,
ને રોટલી ચોરી ગરીબે, તો સજા ખોબો ભરી.
બાળક બની રમતો હતો વરસાદમાં, કાદવ મહીં,
ત્યારે હતી દોલત નહીં, તોયે મજા ખોબો ભરી.
ખાલી રહે જે હાથ, એ ઝીલી શકે વરસાદ પણ,
ખાલી થયો, ત્યાં તો પરાગે સૌ કૃપા ખોબો ભરી.
– પરાગ રતનપરા
#ગઝલ #ખાલીહાથ #દુઆ #સંતોષ #કૃપા #પરાગરતનપરા
#GujaratiGhazal #EmptyHands #Blessings #Contentment #Grace #ParagRatanpara