ખીલો
વર્ષ વીત્યાં, વાળ ધોળા, ઘાવ લીલો છે ખરો,
ભીંતમાં ઠોકેલ ફોટાનો ય ખીલો છે ખરો.
વૈદ, મંતર, ને દુઆઓ સૌ કરી જોયાં બધાં,
દર્દનો તો એ જ જૂનો રંગ પીળો છે ખરો.
ગાંઠ છોડી સાત ફેરાની, વરસ વીત્યાં છતાં,
આંગળીમાં એક રેશમ-તાર ઢીલો છે ખરો.
રાત આખી ઘાવને પંપાળતો હું જાગતો,
બાળ જેવો ઘાવ તોયે એ હઠીલો છે ખરો.
શબ્દ પીળાં પાંદડાં જેવા બધા ખરતા ગયા,
બાગ ગઝલોનો પરાગે આ છબીલો છે ખરો.
– પરાગ રતનપરા
#ગઝલ #ઘાવ #સ્મૃતિ #વિરહ #પીડા #પરાગરતનપરા
#GujaratiGhazal #OldWounds #Memories #Heartache #Healing #ParagRatanpara