ખાતાવહી
ખાતાવહીમાં લખું હું, શ્યામ, આવક-જાવક સાર,
જમા બાજુએ તારું નામ, ઉધારમાં સંસાર.
સવાર ગઈ ચા-છાપામાં, બપોર ગઈ ધંધામાં,
સાંજ ગઈ ટીવીની સામે, રાત ગઈ ફંદામાં;
તારું નામ લીધું'તું ક્યારે? — ખાલી ખાનું, યાર!…
ખાતાવહીમાં લખું હું…
વરસ પૂરું, સરવૈયું કાઢ્યું, નફો દેખાડ્યો મોટો,
જીવતરનું પાનું ઉથલાવ્યું, ત્યાં તો ભારે તોટો;
ધન ભેગું, પણ મન ખાલી, એવો આ વેપાર…
ખાતાવહીમાં લખું હું…
પરાગ કહે: ઓડિટ કરવા આવશે એક દી કાળ,
પૂછશે: ‘કોને સુખ આપ્યું? કોની લીધી સંભાળ?’
ત્યારે શ્યામ, તું જામીન થાજે, ભરજે મારો ભાર…
ખાતાવહીમાં લખું હું…
– પરાગ રતનપરા