ખાનદાની
દાન છાનું જે કરે, એ ખાનદાની જાણજો,
જે ગણાવે, એ ફકત ધનની ગુમાની જાણજો.
રોટલો આપી ગયો જે, એ છબી ના લઈ ગયો,
એ જ રોટીમાં ખુદાની પણ નિશાની જાણજો.
મા ગણે ના, ચૂકવે ના બાળ, તોયે ચાલતું,
એ જ તો ઋણની કથા સૌથી મજાની જાણજો.
કોણ વાવી ગ્યું હશે આ લીમડો રસ્તા ઉપર?
છાંયડામાં એ અજાણ્યાની જવાની જાણજો.
મધ ભરી ભમરા ગયા ને ફૂલથી ઊડ્યો ‘પરાગ’,
બીજ થઈ ઊગે ફરી જે, એ જ દાની જાણજો.
– પરાગ રતનપરા
#ગઝલ #દાન #ઋણ #ઉપકાર #માનવતા #પરાગરતનપરા
#GujaratiGhazal #SilentCharity #Gratitude #Kindness #Humanity #ParagRatanpara