ખાલીપો
દીકરી ગઈ ને ઘર સાવ સૂનું, ઓરડે ઓરડે ઝૂરે,
હીંચકો હજી ઝૂલે, પણ કોઈ ગીત ન એમાં પૂરે.
ખીંટીએ એનો દુપટ્ટો લટકે, લટકે એની યાદ,
કબાટ ખોલું તો સંભળાય, ‘પપ્પા!’ એવો સાદ;
ચાનો કપ હું ભૂલમાં ભરું બે, એક રહે ને બૂરે…
દીકરી ગઈ ને ઘર સાવ સૂનું…
તુલસીક્યારે દીવો મૂકે મા, મૂકીને મૂંગી થાય,
આંગણે રંગોળીનો ખૂણો અડધો પડ્યો રે’ જાય;
ફોનની ઘંટડી વાગે તોયે આખું ઘર ઝબકી ઊઠે, ઝૂરે…
દીકરી ગઈ ને ઘર સાવ સૂનું…
પરાગ કહે: દીકરી તો છે આભની એક ચાંદરણી,
એક ઘરેથી બીજે ઘર જઈ ઓઢાડે અજવાળી ઓઢણી;
આ ઘરનો અંધાર ભલે ને, એ ઘર એનાથી પૂરે…
દીકરી ગઈ ને ઘર સાવ સૂનું…
– પરાગ રતનપરા