કેમ છે?
કોઈ પૂછે ‘કેમ છે?’ તો આંખ ભરાઈ આવે,
એટલું પણ કોઈ પૂછે, એ ઘટના ક્યાં રોજ થાવે?
ઑફિસમાં સૌ પૂછે ફાઈલ, બેન્ક પૂછે હપ્તા,
ઘરમાં પૂછે બિલ ને બાકી, મિત્રો પૂછે ગપ્પાં;
‘તું કેમ છે?’ એવું પૂછે, એવું કોઈ ક્યાં આવે?
કોઈ પૂછે ‘કેમ છે?’…
એક દિવસ રિક્ષાવાળે પૂછ્યું: ‘સાહેબ, થાક્યા લાગો,’
એ પળમાં તો લાગ્યું જાણે જનમોજનમનો ધાગો;
મીટર કરતાં વધુ દીધું, ને એ મૂંઝાતો જાવે…
કોઈ પૂછે ‘કેમ છે?’…
પરાગ કહે: ફૂલ પણ ઝૂરે, કોઈ આવીને સૂંઘે,
મ્હેક પામીને જે ખુશ થાય, એ નયનો રાતે ઊંઘે;
તું પણ કોઈને પૂછી લેજે, કદાચ એ ય રડી આવે…
કોઈ પૂછે ‘કેમ છે?’…
– પરાગ રતનપરા