← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેડીનો સાદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેડી બોલાવે રે મુંને, કેડી બોલાવે,
ધૂળનો કાગળ લઈને મારાં પગલાં વાંચી લાવે.

શહેર તણા ડામરમાં મારા પગની છાપ ન પડતી,
લીમડીએ લટકેલી સાંજે હજીય હૂંફ ઝળહળતી;
ખેતરને શેઢે ઊગેલું ઘાસ મને સંભળાવે —
કેડી બોલાવે રે મુંને, કેડી બોલાવે.

કૂવાને થાળે મા ઊભી, ઘડૂલે ચાંદો ભરતી,
ગાય ગમાણે ભાંભરતી, ને આંખ હજી ના ઠરતી;
મારા નામનો દીવો ઓલી દેરી રોજ જલાવે —
કેડી બોલાવે રે મુંને, કેડી બોલાવે.

પરાગ કહે: પગરખાં છોડી, ખુલ્લા પગ લઈ જાજે,
ધૂળ તને ઓળખશે, ભેરુ! તું ધૂળને ઓળખાજે;
જેની નાળ દટાઈ જ્યાં, એને માટી પાછો લાવે —
કેડી બોલાવે રે મુંને, કેડી બોલાવે.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસંગ્રહાલયમાં ચશ્માંઆગલો લેખ →કાળી-ધોળી ફિલમ