કવિસંમેલન
કવિસંમેલન ભરાયું રે, કવિ તેર ને શ્રોતા ત્રણ,
એમાં બે તો આયોજકના સગા, ને ત્રીજો ઊંઘણ!
પહેલા કવિએ ગઝલ ઉપાડી, ‘વાહ વાહ’ માગી હાથે,
બીજો કવિ તો ડાયરી ખોલી, બેઠો પોતાની વાતે;
ત્રીજાએ મોબાઇલમાં વાંચી, નેટ ગયું ને ગઈ લાજ,
ચોથાએ સ્ટેજ પરથી કીધું: ‘મારી ચોપડી લ્યો આજ’…
કવિસંમેલન ભરાયું રે…
શાલ મળી ને શ્રીફળ મળ્યું, ને મળ્યો કાગળનો ખેસ,
કવર ખોલ્યું તો અંદર મળ્યો આભારનો સંદેશ;
ફોટા પડ્યા, ને ફેસબુક પર મૂક્યું: ‘ભવ્ય આયોજન!’
શ્રોતા ત્રણ, પણ ‘લાઇક’ પાંચસો, વાહ રે મારું વતન!…
કવિસંમેલન ભરાયું રે…
પરાગ કહે: છેલ્લી હરોળે બેઠી’તી એક માજી,
આંખ લૂછીને બોલી: ‘બેટા, મારી વાત તેં ગાજી!’;
એક જ સાચી શ્રોતા મળી, ને કવિતા થઈ ગઈ ધન્ય,
બાકીનું સૌ તમાશો, ભાઈ, ભલે ને લાગે ભવ્ય…
કવિસંમેલન ભરાયું રે…
– પરાગ રતનપરા