કલમને ધાર દે
મા શારદા, મારી કલમને ધાર દે,
ખાલી ખખડતા શબ્દને થોડો ભાર દે.
લખ્યા કરું હું તાળીઓ માટે, તાળીમાં ખોવાઉં,
ભીતર ઝાંકું ત્યાં તો કોરો, સાવ કોરો થાઉં;
ભૂખ્યાની ભાષા લખી શકું, એવો મને આધાર દે…
મા શારદા…
શબ્દ મારો દીવો થઈ કોઈ ઝૂંપડીમાં બળે,
રડતા કોઈ બાળકને હોઠે હાલરડું થઈ ઢળે;
એ હાલરડે ઊંઘે જગ, એવો મીઠો તાર દે…
મા શારદા…
પરાગ કહે: મ્હેક મળી, પણ ફૂલ થવું છે બાકી,
ગઝલ લખી, પણ જીવવી બાકી, વાત હજી છે વાંકી;
લખતાં લખતાં હું ઓગળું, એવો શબ્દ-સંસાર દે…
મા શારદા…
– પરાગ રતનપરા