કહું કે ના કહું?
કહું કે ના કહું, સૈયર, કહું કે ના કહું?
હૈયાની વાત હોઠે આવી, કેમ કરી હું સહું?
એક વાર કહું તો પવન સાંભળી ગામે જઈ ગાય,
બે વાર કહું તો કૂવાનું પાણી શરમાઈ જાય;
ત્રીજી વાર તો ઝાંઝર બોલે, હું તો ચૂપ જ રહું…
કહું કે ના કહું…
આંખે ચડી છે વાત, ને ગાલે ચડ્યો છે રંગ,
હાથની મેંદી ફોડી કહે છે: ‘કોનો છે આ સંગ?’
પાનેતરના પાલવમાં હું, નામ છુપાવી વહું…
કહું કે ના કહું…
પરાગ કહે: જે વાત ન કહેવાય, એ જ મીઠી વાત,
મૌન મહીં જે ખીલે, એ જ ફૂલની ખરી જાત;
એ સમજી ગયો આંખ વાંચી, હવે હું શું કહું?
કહું કે ના કહું…
– પરાગ રતનપરા