કહી દે છે
છુપાવો દર્દ લાખો, પણ બધું આંખો કહી દે છે,
ભલે પંખી ન બોલે, થાક તો પાંખો કહી દે છે.
ભલે ઊંડાં છુપાયાં મૂળ ધરતીમાં ઘણાં નીચે,
હૃદય ભીનું હતું કેવું, બધું શાખો કહી દે છે.
કહે નેતા: ‘ગરીબી તો હટાવી છે અમે’, તો પણ
પડેલા ધૂળમાં ભૂખ્યા જનો લાખો કહી દે છે.
વિજોગણને ન પૂછો, રાત એણે કેમ કાઢી છે,
સવારે ઓટલે દીવો, થયો ઝાંખો, કહી દે છે.
પરાગે મ્હેક સંતાડી, કશું કીધું નહીં તો પણ
સુમન કઈ ડાળ પર ખીલ્યું, ચમન આખો કહી દે છે.
– પરાગ રતનપરા
#ગઝલ #આંખો #પીડા #વિરહ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #EyesSpeak #HiddenPain #Separation #Satire #ParagRatanpara