કાવ્ય છે
ડાળ ઝૂલે, પાન ડોલે, એ સમીરે કાવ્ય છે,
સાંજના ઘાટે, નદીના એક તીરે કાવ્ય છે.
રાજના દરબારમાં તો ચાટુકારી છે બધી,
ભીખ માગી ગીત ગાતા એ ફકીરે કાવ્ય છે.
હસ્તરેખા જોઈ ભાખે જ્યોતિષી, પણ એ ખરું,
ખેડુના ફાટેલ હાથોની લકીરે કાવ્ય છે.
વેદ પોથી ગ્રંથમાં પણ જે ન સમજાયું કદી,
પ્રેમના અક્ષર અઢી, એ તો કબીરે કાવ્ય છે.
શબ્દથી પર જે રહે, એ મ્હેક છે મારી, ‘પરાગ’,
ને પ્રિયાના ભીંજતા એ લાલ ચીરે કાવ્ય છે.
– પરાગ રતનપરા
#ગઝલ #કવિતા #કબીર #ફકીર #ખેડૂત #પરાગરતનપરા
#GujaratiGhazal #WhatIsPoetry #Kabir #Fakir #FarmersHands #ParagRatanpara