← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાળી-ધોળી ફિલમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સાજન, આપણી પ્રીત જાણે કાળી-ધોળી ફિલમ,
રંગ વગરની રીલ ઉપર પણ લખતી ચાંદ-કલમ.

ટૉકીઝની છેલ્લી હારે બેઠાં'તાં બે જણ,
પડદે નાયક ગાતો, ને અહીં ધડકે બે કંકણ;
અંધારામાં હાથ અડ્યો ને ચાલુ થઈ ગઈ ફિલમ —
સાજન, આપણી પ્રીત જાણે કાળી-ધોળી ફિલમ.

આજ તો ફોનના પડદે રંગો સાત સાત ઝળકે,
તોય સ્ક્રીન પર કોઈ નજર ક્યાં ભીની થઈને મલકે?
ઇન્ટરવલમાં તેં પાયેલી ચા જેવો ક્યાં મલમ?
સાજન, આપણી પ્રીત જાણે કાળી-ધોળી ફિલમ.

પરાગ કહે: આ ચશ્માં પાછળ હજી એ જ છે શો,
વાળ થયા છે ધોળા, સાજન, આંખો કાળી, જો!
સમય ભલે ને રંગો લૂંટે, પ્રીત ન લૂંટે જનમ —
સાજન, આપણી પ્રીત જાણે કાળી-ધોળી ફિલમ.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકેડીનો સાદઆગલો લેખ →વરસાદ સરકારી બાબુ