કાગળની હોડી
કાગળની હોડી રે મારી, કાગળની હોડી,
વરસાદે વહેતી જાય, ને બાળપણ લઈ દોડી.
ગણિતની નોટનું પાનું ફાડ્યું, બાપુ બહુ બગડ્યા’તા,
મા ચૂપચાપ હસી પડી, ને અમે ખાબોચિયે પડ્યા’તા;
હોડી ચાલી ગલીને નાકે, દુનિયા આખી છોડી…
કાગળની હોડી…
મોટો થઈ મેં વહાણ જોયાં, ક્રૂઝ ને દરિયાપાર,
પણ ક્યાંય ન દીઠી એવી હોડી, એવો હળવો ભાર;
ટિકિટ લીધી લાખોની, પણ એ ખુશી ન મળી થોડી…
કાગળની હોડી…
પરાગ કહે: વરસાદે આજેય કાગળ હું તો ખોળું,
પણ બધા કાગળ ભરાઈ ગયા બિલથી, કોને બોળું?
ભીંજાયેલું બાળપણ ઊભું, આંખો લૂછે થોડી…
કાગળની હોડી…
– પરાગ રતનપરા