કૉલ પર
બેન બાંધે છે હવે તો રાખડીઓ કૉલ પર,
ને ઉતારે મા સવારે આરતીઓ કૉલ પર.
સાંભળે ઓછું પિતા, ને દીકરો આઘો વસે,
‘હેં?’ ‘ફરીથી બોલ, બેટા!’ — ગોઠડીઓ કૉલ પર.
સ્ક્રીન પર ભાળી શકે, પણ ગાલ ક્યાં પંપાળવો?
નેટ જ્યાં ધીમું પડે, ત્યાં લાગણીઓ કૉલ પર.
સૂર્ય ત્યાં ઊગે, અહીં તો ચાંદ ઊગે છે, છતાં
મેળ પાડી બે ય જોતાં આ ઘડીઓ કૉલ પર.
આ પરાગે ફૂલ મૂક્યું, ગંધ ક્યાંથી લાવવી?
રંગ બસ દેખાય, ખરતી પાંખડીઓ કૉલ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #પરદેશ #વીડિયોકૉલ #માવતર #અંતર #પરાગરતનપરા
#GujaratiGhazal #Diaspora #VideoCall #Parents #DistanceAndLove #ParagRatanpara