જોકર
રંગ ચોપડી મોં પર હું તો જોકર થઈને નાચું,
સૌ હસે ત્યાં ભીતર મારી આંખે ચોમાસું સાચું.
નાક ઉપર છે લાલ દડો, ને ઢીલો ઢીલો ઝભ્ભો,
ગડથોલિયું ખાઉં ત્યાં તો હસતો આખો કસ્બો;
કોઈ ન જાણે, ઘેર દીકરી તાવે ધીખે, તોય હું નાચું…
રંગ ચોપડી મોં પર…
તંબુ ઉપર ઝાલર ઝબકે, બત્તી ઝગમગ ઝગમગ,
મારા ભીતર અંધારું, ને હૈયું ધ્રૂજે ડગમગ;
ચીતરેલા સ્મિત પાછળ આંસુ એક એક ગણું, ને નાચું…
રંગ ચોપડી મોં પર…
પરાગ કહે: આ દુનિયા આખી મોટો સર્કસ-તંબુ,
સૌ ચહેરે ચોપડે સ્મિત, ને ભીતર ભીનું અંબુ;
કોઈ જોકરને પૂછજો: ‘કેમ છો?’ એ જ ઓસડ સાચું…
રંગ ચોપડી મોં પર…
– પરાગ રતનપરા