જોગીનો રંગ
ભગવો ઓઢી બેઠો જોગી, મેળો આખો ઝૂમે રે,
એની આંખ્યું મીંચેલી ને મનડું ગોકુળ ઘૂમે રે.
કેસૂડાં કરગરતાં આવ્યાં, ‘એક જ છાંટો લઈ લે’,
ગુલાલ ઊડીને બોલ્યો, ‘મારી ઝોળીમાં ભરી લે’;
જોગી હસીને કહેતો: ‘મારો રંગ તો ભીતર લૂમે રે…’
ભગવો ઓઢી…
ઢોલ ઢબૂકે, ઘૂમે ગામની ગોરી, ઝાંઝર ઝણકે ભારી,
એ તો ઊભો આંખ મીંચીને, જાણે ખૂલી બારી;
ભીતર એના વાંસળી વાગે, રાધા ચરણો ચૂમે રે…
ભગવો ઓઢી…
પરાગ કહે: જે રંગ ચડ્યો છે એ ઊતરે ના પાણી,
સાત જનમની ધોળી ચાદર ઓઢે છે આ પ્રાણી;
રંગ વિનાનો રંગ જ એવો, જે પીએ એ ઝૂમે રે…
ભગવો ઓઢી…
– પરાગ રતનપરા