← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોઈએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લોન લઈને પણ, મને ઝટ લાલ ગાડી જોઈએ,
ને બધાંને આ દિવાળી ખાસ સાડી જોઈએ.

શ્હેરમાં બે ફ્લેટ છે, ને ગામમાં ખેતર ઘણાં,
તોય રવિવારે જવા ઠંડી પહાડી જોઈએ.

કામ ના, ધંધો નથી, ને પેટ પર છે ફાંદ પણ,
તોય એને ચાંદ શી કો રૂપ લાડી જોઈએ.

કાચના ઘરમાં રહે છે, બંધ સઘળાં બારણાં,
તોય સેલ્ફીમાં ભલે બારી ઉઘાડી જોઈએ.

આ ‘પરાગે’ આખરે જોયું સ્મશાનેથી બધું,
બસ છ ફૂટ જ ભોંય, ને ના ક્યાંય વાડી જોઈએ.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #ઉપભોક્તાવાદ #લાલસા #છફૂટજમીન #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Consumerism #EndlessWants #SixFeetOfEarth #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખતેં પૂછ્યું: પ્રેમ એટલે?આગલો લેખ →ચા સુધી