જિંદગીનો દાખલો
કોઈ પાટીમાં ઉકેલે જિંદગીનો દાખલો?
ભૂલથી સાચો થયો છે લાગણીનો દાખલો.
પ્રેમમાં તો એક વત્તા એક થાતું એક, ને
ના ગણે કો કાગળે આ આશિકીનો દાખલો.
બાપ ખેતર ગીરવે મૂકી વળાવે દીકરી,
વ્યાજમાં વર્ષો ગણાતો ઝૂંપડીનો દાખલો.
દૂધ, ભાડું, ફી, દવા ને શાકનો આખો હિસાબ
બા ઉકેલી નાખતી બસ આંગળીનો દાખલો.
કેટલું પામ્યા, ગુમાવ્યું કેટલું? છોડો, ‘પરાગ’,
શૂન્યમાં પૂરો થતો આ બંદગીનો દાખલો.
– પરાગ રતનપરા
#ગઝલ #જિંદગી #હિસાબ #મા #બંદગી #પરાગરતનપરા
#GujaratiGhazal #ArithmeticOfLife #MothersMath #Devotion #LifeLessons #ParagRatanpara