જિંદગી
શ્વાસના ગજથી અમે બસ રોજ માપી જિંદગી,
ને સમયની કાતરે તો આમ કાપી જિંદગી.
જીવતો’તો ત્યાં સુધી ના કોઈએ પૂછ્યો મને,
ને પછી અવસાન-નોંધે ખૂબ છાપી જિંદગી.
દૂધ, હાલરડાં, દુવાઓ, રાત આખી જાગવું,
એક માએ કેટલીયે વાર આપી જિંદગી.
દાનના ફોટા છપાવ્યા, મંદિરે તખતી ધરી,
તોય મનનો મેલ, જીવ્યો સાવ પાપી જિંદગી.
આ પરાગે ના કશું રાખ્યું, બધું વેરી ગયો,
મ્હેક થઈ આખા ચમનમાં એમ વ્યાપી જિંદગી.
– પરાગ રતનપરા
#ગઝલ #જિંદગી #મા #દંભ #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Life #MothersSacrifice #Hypocrisy #PhilosophyOfLife #ParagRatanpara