ઝૂંપડીના રાજા
અમે ઝૂંપડીના રાજા, ભાઈ, અમે ઝૂંપડીના રાજા,
તારલિયા અમારા દીવા, ને પવન અમારાં વાજાં.
છાપરું ફાટે ત્યાંથી ચાંદો રોજ ડોકિયું કરતો,
વરસાદ આવે ત્યારે આખો ઓરડો ગીતો ઝરતો;
નથી તાળાં, નથી ચાવી, ખુલ્લા સૌ દરવાજા…
અમે ઝૂંપડીના રાજા…
ભૂખ લાગે તો રોટલો ને ડુંગળી મીઠી લાગે,
ધન વગરનાં સપનાં અમારાં, ચોર ન આવે માગે;
મખમલ વિના ઊંઘ આવે, ને જાગીએ તાજામાજા…
અમે ઝૂંપડીના રાજા…
પરાગ કહે: ધન ગણો તો ઓછું, મન ગણો તો ઝાઝું,
જેના હૈયે સંતોષ વસે, એનું ભાણું તાજું;
ફૂલ જેવું જીવી જાણે, ભલે ન વાગે વાજાં…
અમે ઝૂંપડીના રાજા…
– પરાગ રતનપરા