ઝૂંપડીએ પણ દીવો
ઝૂંપડીએ પણ દીવો કરજો, મોટા મ્હેલોવાળા,
એક દીવે તો ઝળહળ થાશે ગરીબનાં અજવાળાં.
ફટાકડાની લૂમ ફૂટે ને ઊજવે આખું ગામ,
ઝૂંપડીમાં બેઠો બાળક જોતો આભે ધામ;
એનાં સપનાંનાં પણ ખોલો મોટા દિલનાં તાળાં…
ઝૂંપડીએ પણ દીવો…
મીઠાઈનાં ખોખાં સૌ પહોંચે મોટા સાહેબ પાસ,
કામવાળીના બાળકને પણ દેજો એક મીઠાશ;
એ નાના હાથે હસશે, ત્યાં ઝૂલશે લક્ષ્મી-માળા…
ઝૂંપડીએ પણ દીવો…
પરાગ કહે: આ દિવાળી તો અંધારાની પરીક્ષા,
દીવો કરવો, દીવો થાવું, એ જ ખરી છે દીક્ષા;
ભીતર દીવો થાય, પછી તો આપોઆપ અજવાળાં…
ઝૂંપડીએ પણ દીવો…
– પરાગ રતનપરા