ઝૂલો
આંબાની ડાળે બાંધ્યો રે ઝૂલો, ઝૂલે મારી સૈયર સાથ,
ઊંચે ઊંચે જાય હીંચકો, અડકે આભને હાથ.
પહેલો હીંચકો નાખે ભાભી, ગાય મીઠાં ગીત,
બીજો હીંચકો નાખે બેની, હસતી ખડખડ રીત;
ત્રીજે હીંચકે યાદ આવે મને, દૂર ગયેલા નાથ…
આંબાની ડાળે…
ઝૂલો આગળ, ઝૂલો પાછળ, મન પણ જાય ઝોલાં,
એક પળ પિયર, એક પળ સાસર, એવાં મનનાં ઓલાં;
ઝૂલે ઝૂલે જીવતર ઝૂલે, ના કોઈ સ્થિર ઘાટ…
આંબાની ડાળે…
પરાગ કહે: આ ઝૂલો છે, સખી, સુખ-દુઃખનો સંસાર,
ઊંચે જાતાં ભૂલ ન મદમાં, નીચે આવતાં ન હાર;
દોરી પકડી રાખજે, એ જ પ્રભુનો હાથ…
આંબાની ડાળે…
– પરાગ રતનપરા