ઝૂકી ગયો
ડાળ જેવો ફળ ભરીને ભારથી ઝૂકી ગયો,
દાદ ઝીલી, ને સહજ ઉપકારથી ઝૂકી ગયો.
શ્હેરમાં ઊંચા મકાને નામ મારું ચમકતું,
ગામ આવ્યો, તો બધાંના પ્યારથી ઝૂકી ગયો.
હાર સોનાનો ગળે ને તાજ માથે શોભતો,
તોય બાનો આરતી-સત્કારથી ઝૂકી ગયો.
આભને આંબ્યો, છતાં માટી તણો રહ્યો ઋણી,
મૂળના મૂંગા જ એ આધારથી ઝૂકી ગયો.
આ ‘પરાગે’ ફૂલ થઈને મ્હેકવાનું જાણિયું,
સાવ હળવા વાયુના વ્યવહારથી ઝૂકી ગયો.
– પરાગ રતનપરા
#ગઝલ #નમ્રતા #સફળતા #મૂળ #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Humility #SuccessAndRoots #Gratitude #MothersBlessing #ParagRatanpara